Wednesday, 31 January 2018

મારું કફન હોવું જોઈએ--- (Mariz)







જે એ કહે કોઈ ન વ્યસન હોવું જોઈએ,
કેવું અઘરું એનું જીવન હોવું જોઈએ… 

ફુલોમાં કેમ શ્રેષ્ઠ છે ફુલો કપાસના,
એમાં છૂપેલું મારું કફન હોવું જોઈએ…

આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે,
એવું કશું નથી કે વચન હોવું જોઈએ…
 
જીવનમાં લાખ ઘટના બને છે, ભલે બને,
એમાંથી એક-બેનું મનન હોવું જોઈએ…
 
કોઈ અગમ્ય ડરથી ઉપડતા નથી કદમ,
બસ આટલામાં એનું સદન હોવું જોઈએ…
 
આવું સરસ ન હોય વાતાવરણ કદી,
કોઈની સાથે તારું મિલન હોવું જોઈએ…
 
પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે,
જીવનમાં એક એવું પતન હોવું જોઈએ…
 
આંસુ ઢળીને હોઠ પર આવી ગયા ‘મરીઝ’,
પીવાને માટે મારું રુદન હોવું જોઈએ… 

– ‘મરીઝ’

Sunday, 28 January 2018

અમારી પાસે- મરીઝ (MARIZ)








જે ન લૂંટાય તે દોલત છે અમારી પાસે,
બસ ફક્ત એક મોહબ્બત છે અમારી પાસે…

દર્દ જે દીધું તમે પાછું તમે લઈ શકશો,
એ હજી સાવ સલામત છે અમારી પાસે…

આપ ચિંતા ન કરો, આપ ન બદનામ થશો,
કે બધા ભેદ અનામત છે અમારી પાસે…

કોઈ સમજી ન શકે એમ બધું કહી દઈએ,
કંઈક એવીય કરામત છે અમારી પાસે…

પ્રેમ વહેવાર નથી એમાં દલીલો ન કરો,
કે દલીલિ તો અકારત છે અમારી પાસે…

રાહ ક્યાં જોઈએ આગામી કયામતની ‘મરીઝ’?
એક અમારીય કયામત છે અમારી પાસે…

Saturday, 27 January 2018

આ મોહબ્બત છે, કે છે એની દયા- મરીઝ (ગઝલ) MARIZ








આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી,
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી…

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ,
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી…

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી…

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી…

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’,
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી…



પ્રજાસત્તાક શબ્દનો અર્થ આજે શીર્ષાસન કરી રહ્યો છે! 69th independence day by Harshad Pandya (Sandesh)

           ’પ્રજાસત્તાક‛નો અર્થ સમજાવતાં અર્થશાસ્ત્રી નાની પાલખીવાલાએ ખૂબ જ અર્થસભર વિધાન કર્યું છે : when we became a republic, we forgot that freedom is like alcohol - it must be taken in moderation.
 પ્રજાસત્તાક શબ્દ આજે U ટર્ન લઈ રહ્યો છે. પોતાને મળેલી સત્તાનો દુરુપયોગ કરવો કે સદુપયોગ કરવો, એનું ગૌરવ કરવું કે નશો કરવો એ આટલાં વર્ષોમાંય નથી તો સત્તાધીશોને સમજાયું કે નથી તો દેશના આમ આદમીને સમજાયું.

             ’દેશ આજે ૬૯મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યો છે‛ એવું કહીને આજે મોટાભાગના દેશસેવકો પૂરી જનતાને એ વાતની
યાદ તાજી કરાવશે કે આપણે સૌ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ પ્રજાસત્તાક બન્યા‛તા! ’પ્રજાસત્તાક‛ શબ્દની વ્યાખ્યા આજે બદલાઈ ગઈ છે, કારણ કે એ સમયની પ્રજા પણ હવે રહી નથી અને ક્યાંક ક્યાંક અવશેષરૂપે રહી છે એનેય, ’આજનું ઇન્ડિયા તો યુવાનોનું ઇન્ડિયા છે‛ એવું કહીને ખૂણામાં ધકેલી દેવાની એક અનોખા પ્રકારની રાષ્ટ્રસેવા ચાલી રહી છે. (પૂછો આદરણીય અડવાણીજી એન્ડ કંપનીને!) તો સાથે સાથે એ સમયની ’સત્તા‛ પણ હવે એના મૂળ સ્વરૂપે રહી નથી. એણે પણ સાદગીનાં નામે ગ્લેમરની ગરિમા જાળવવાનું શરૂ કરી દીધું છે.


              આમ છતાં આટલાં વર્ષોર્માં આપણા દેશે સારી પ્રગતિ કરી છે. સારું તો એ કહેવાય કે આજે વર્ષો પછી દેશમાં પ્રગતિ અને વિકાસનું પાણિગ્રહણ ચાલી રહ્યું છે. પહેલાં પ્રગતિ બિચારી એકલી હતી, આજે એને વિકાસનો સાથ મળી રહ્યો છે, કેટલાંક રાજ્યોમાં તો છેલ્લાં કેટલાંય વર્ષોથી એક જોરદાર અફવા ચાલી રહી છે કે દેશમાં આજે પ્રગતિ અને વિકાસનો હસ્તમેળાપ થઈ રહ્યો છે ત્યારે આપણે ચીન, અમેરિકા તેમજ ઈંગ્લેન્ડ કે રશિયા જેવી મહાસત્તાને વામણી બનાવી દઈશું. આ અફવાનું હજુ સુધી શાસકના કે વિપક્ષના કોઈ નેતાએ ખંડન કર્યું નથી કે રદિયો આપ્યો નથી. આનો અર્થ એ થયો કે આપણા નેતાઓ સચ્ચાઈથી જેટલા ડરે છે એટલા અફવાથી નથી ડરતા. વાત તો જોકે પાકા પાયે એવીય જાણવા મળી છે કે દેશે પ્રગતિની સાથે સાથે વિકાસ પણ કર્યો છે, પણ આ વિકાસ ખરેખર કોનો શરૂ થયો છે એનું સંશોધન અત્યારે ચાલી રહ્યું છે.
પ્રજાસત્તાક ભારત ખરેખર ?

  

              ૨૦૧૭નું પ્રજાસત્તાક વર્ષ ખૂબ જ સુંદર રીતે પસાર થયું. રાબેતા મુજબ દિવસ ઊગ્યો અને રાબેતા મુજબ સૂર્યાસ્ત પણ થયો. ચોમાસામાં રાબેતા મુજબ વરસાદ પડ્યો, શિયાળામાં રાબેતા મુજબની ઠંડી પડી અને ઉનાળામાં રાબેતા મુજબની ગરમી પડી. વરસાદ તો એટલો સારો પડ્યો કે ખેતરોમાં પૂરતું પાણી મળી રહ્યું અને રસ્તા પર પૂરતા પ્રમાણમાં ખાડા અને ભૂવા મળતા રહ્યા. આનાં પરિણામે હાડવૈદ અને ઑર્થોપેડિક ડૉક્ટરોને ’અચ્છે દિન‛ નો સાક્ષાત્કાર થયો. ટ્રાફિક હળવો કરવા BRTS અને મેટ્રોનું આયોજન કરીને મૂળ વિશાળ રસ્તાને આજુબાજુથી સાંકડા કરી ટ્રાફિક જેટલા પ્રમાણમાં ભારે હતો એના કરતાં વધારે ભારે કર્યો.
આને કહેવાય ટ્રાફિક ક્ષેત્રનો ભારે વિકાસ! પરિસ્થિતિ એવી સર્જાઈ કે જ્યાં છે ત્યાં ભરચક છે અને જ્યાં નથી ત્યાં સાવ ખાલી છે. અસમાનતા કે વિષમતા એ માત્ર આર્થિકક્ષેત્રની જ મોનોપોલી નથી સાહેબ, ટ્રાફિકક્ષેત્રની પણ હોઈ શકે એ વાતને સત્તાધીશોએ સાબિત કરી. 
    
                  ૨૦૧૭નાં ગયા પ્રજાસત્તાક વર્ષ દરમિયાન દેશની આર્થિક સ્થિતિ સારી રહી. નેતાઓની આર્થિક સ્થિતિ એના કરતાંય વધુ સારી રહી. દેશની અને નેતાઓની આર્થિક સ્થિતિમાં સૌથી મોટો ફરક એ જોવા મળ્યો કે દેશે વિશ્વબેન્ક પાસેથી લોન લેવાનું રાબેતા મુજબ ચાલું રાખ્યું પણ નેતા આ બાબતે આત્મનિર્ભર બની ગયા. નેતા બન્યા પહેલાં એમને જે લોન લેવાની જરૂર નથી પડી, દેશનો આર્થિક સરવે એવું કહે છે કે જે શ્રીમંતવર્ગ છે એ પોતાની શ્રમંતાઈનો વિકાસ કરીને વધુ શ્રીમંત રહ્યો, જે ગરીબવર્ગ છે એ પોતાની ગરીબી નો વિકાસ કરીને વધુ ગરીબ રહ્યો અને મધ્યમવર્ગ ક્યાંયનોય ના રહ્યો. પ્રજાસત્તાક પર્વનાં આટલા વર્ષોમાં માથાદીઠ આવકમાં પણ સારો એવો વિકાસ થયો, ખાસ કરીને એવા લોકોની માથાદીઠ આવકમાં કે જેમને કમિશન અને લાંચકળામાં સારી એવી ફાવટ છે. બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર ક્ષેત્રે દેશે હરણફાળ પ્રગતિ કરી છે. જેને કામ કરવું છે એને, પોતાની પાસે ક્ષમતા, યોગ્યતા કે લાયકાત હોવા છતાં કામ નથી મળતું અને જેને વગર લાયકાતે કામ મળી ગયું છે એને કામ નથી કરવું. મલ્ટિપ્લેક્સમાં એક હજારનો ખર્ચ કરી ફિલ્મ જોનાર વ્યક્તિ મોંઘવારીની ફરિયાદ કરે છે ત્યારે મોંઘવારી કેટલી સોફિસ્ટિકેટેડ અને ગરીબી કેટલી શ્રીમંત બની રહી છે એ વાતની ખબર પડે છે! આમ છતાં સમાજનું જીવનધોરણ Standard Of Living Life એટલું ઊંચું આવ્યું છે કે આમ આદમી પણ હવે રિક્ષા કે ટેક્સીમાંથી ઊતરીને ૯૦ રૂપિયાનું ભાડું ચૂકવવા ૧૦૦ રૂપિયાની નોટ આપી બાકીના દસ રૂપિયા પાછા લેવા માટે નથી તો ઝઘડો કરતો કે નથી તો પરવા કરતો. ગાલ પર(પોતાના!) તમાચો મારીનેય ગાલને લાલ રાખતાં એને આવડી ગયું છે. આવું જોઈને મોંઘવારી મનોમન મલકાતી હોય છે અને ગરીબી શરમ અનુભવે છે.

                    છેલ્લાં બે-ત્રણ પ્રજાસત્તાક પર્વ દરમિયાન દેશમાં વિદેશી મહેમાનોનાં આગમનમાં સારી એવી વૃદ્ધિ અને પ્રગતિ થઈ, પરિણામે અધિકારીઓ અને ઈવેન્ટમૅનેજરોનો સારો વિકાસ થયો. કેટલીક વૃદ્ધિ કેટલાક વિકાસ માટે જરૂરી હોય છે.

                    દુનિયામાં આજ સુધી ભારતે પોતાની ઓળખ જેટલી નહોતી આપી એના કરતાંય અનેકગણી ઓળખ એણે છેલ્લાં અઢી-ત્રણ વર્ષમાં આપી છે. દુનિયાનાં લોકો દેશને જાણતાં ઓળખતાં થયાં. ભારતની હંમેશાં ટીકા કરતાં રહેવાનું વ્રત અમેરિકાએ હમણાંથી તોડ્યું છે .જે દેશો ભારતની દૂર ભાગતા‛તા એ જ દેશો હવે ભારતની નજીક આવવા માટે એકબીજાની સ્પર્ધા કરી રહ્યાં છે. હવે તો કેટલાક વિદેશી શાસકો આપણા સ્વાતંત્ર્યદિન કે પ્રજાસત્તાકદિન નિમિત્તે ભારતમાં આવવાનું સામેથી કહેવડાવતા થઈ જાય તો આશ્ચર્ય નહીં પામવાનું.

                     કેટલાક પવિત્ર નેતાઓ આપણને પોતાની પવિત્ર વાણીમાં ચોક્કસ કહેવાના કે વહાલા ભાઈઓ અને બહેનો, તમે લોકોએ અમારા પર વિશ્વાસ રાખીને અમને દેશની સેવા કરવા માટે સત્તા સોંપી એનું અમને ગૌરવ છે, જોકે આવું તમે લોકોએ પહેલી વાર નથી કર્યું એનો પણ અમને ગર્વ છે! પહેલાં પણ તમે બધા અમારા પર વિશ્વાસ રાખીને જ સત્તા સોંપતા રહ્યા છો,તો જેવી રીતે પાછલી સરકારે તમારા વિશ્વાસની કદર કરી તમારા વિશ્વાસને ફળીભૂત કર્યો છે એવી જ રીતે અમે પણ અમારી રીતે દેશનાં તમામ ક્ષેત્રે જેટલું થાય એટલું કરી નાખીને અમારા પર રાખેલા તમારા વિશ્વાસને ફળીભૂત કરીશું એની અમે ખાતરી આપીએ છીએ. મોંઘવારી, બેકારી અને ભ્રષ્ટાચાર બાબતે અમે પાછલી સરકાર કરતાં સહેજ પણ ઊણા નહીં ઊતરીને એની પણ પૂરી ખાતરી આપીએ છીએ.


ડાયલટોન:
● જે કશું જ જાણતો નથી છતાં એવું સમજે કે હું બધું જ જાણું છું, એના માટેનું શ્રેષ્ઠ કારકિર્દી ક્ષેત્ર એટલે રાજકારણ !
               - જ્યોર્જ બનાર્ડ શો